લાકડા ઉદ્યોગ સાહસિકો ચિંતા ના કરો, ગાડી ગતી પકડી રહી છે.
વિશ્વવ્યાપી મંદીનું એક
વર્ષ પુરુ થયું છે. વિશ્વ વ્યાપાર ઉદ્યોગ પરથી મંદીના ઘેરા વાદળો ધીમે ધીમે હટી
રહ્યા છે, જો કે ભારત તેમાંથી ઝડપથી બહાર આવવામાં સફળ થઈ રહ્યું છે. ભારતનું
પોતાનું બજાર મોટું હોવાથી અને મંદીમાંથી બહાર આવવાના ત્વરીત અને અસરકારક
પગલાંથી ભારતને મંદીની અસર ઓછી થઈ છે, ઔદ્યોગિક વિકાસ દર ઘટ્યો જરૂર છે પરંતુ
મંદીની અસર ઘટી રહી છે તેના ચિહ્નો જણાઈ રહ્યાં છે. ખાસ કરીને બાંધકામ ઉદ્યોગ
અને લાકડા ઉદ્યોગની વાત કરીએ તો ચિંતાનું કોઈ કારણ નથી. સરકાર અને રીઝર્વ
બેન્કના નિર્દેશો પ્રમાણે બેન્કોએ હોમ લોનની ધિરાણની શરતો, વ્યાજ ઘટાડી, લોન
આપવાની કામગીરી પર ધ્યાન આપવા માંડ્યું છે. બાંધકામ ઉદ્યોગે થોડોક આરામ કરી ફરી
કાર્યવંત બન્યો છે. ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો તેના શીડ્યુલ પ્રમાણે આગળ વધી
રહ્યા છે, બાંધકામ અને વુડ બેઝ ઈન્ડસ્ટ્રીમાં થોડું નિરાશાનું વાતાવરણ હતું,
કેટલીક મોટી કંપનીના નવા પ્રોજેક્ટો ખોરંભે પડ્યા હતા પરંતુ હવે અર્થતંત્ર
ચેતનવંતુ બનવા લાગતા તેમણે પ્રોજેક્ટોના કામ હાથ પર લેવા-નિરાશા ખંખેરી છે. થોડા
વિલંબ પછી પણ નવા પ્રોજેક્ટો, ફેરફારો સાથે પણ શરૂ થશે.
ચાલુ વર્ષના ભારતીય ઔદ્યોગિક કંપનીઓના આર્થિક પરિણામો ગત વર્ષની સરખામણીમાં સારા
આવ્યા છે, જે મજબૂત ભારતીય અર્થતંત્રની છબી રજૂ કરે છે. જંગલો અને પર્યાવરણ
બાબતે સરકારે લીધેલા પગલાંથી પણ સારી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરદેશથી
આયાત લાકડા પરથી ઈમ્પોર્ટ ડ્યુટી દૂર થતા લાકડા ઉદ્યોગને રાહત મળી છે. લાકડા
આધારિત ઘણા ઉદ્યોગો શરૂ થયા છે. પ્લાયવુડ, લેમિનેટ્સ, ડોર્સ-વિન્ડોઝ, પાર્ટીકલ
બોર્ડ, MDF, HDFના અનેક નવા નાના-મોટા કારખાના શરૂ થયા છે; દેશના મજબૂત અને મોટા
આંતરિક બજારૂ માળખા અને માંગને કારણે આ વિકાસ શક્ય બન્યો છે પરંતુ અનિયંત્રિત
હરિફાઈ, કાચા માલની તંગી અને કાચા માલના ભાવ વધારાએ આ ઉદ્યોગને થોડો ચિંતામાં
મૂકી દીધો છે અથવા આયોજનમાં ફેરફારો વિશે વિચારવાની તક આપી છે. 1982 સુધી લાકડા
તથા લાકડાના ઉત્પાદનોની નિકાશ કરતા ભારતમાં 1985 સુધીમાં તો એવી પરિસ્થિતિ
સર્જાઈ કે સરકારે જંગલો, વૃક્ષો કાપવા પર નિયંત્રણ લાદી દીધા, અત્યાર સુધી જંગલ
વિસ્તાર હેઠળ આવતી 23 ટકા જમીનની ટકાવારી ઘટીને 8 ટકા ઉપર આવી ગઈ હતી, જો કે
1985 પછી અને ખાસ કરીને 1992 હેઠળના સુપ્રિમ કોર્ટના આદેશ અને સરકારના પ્રયાસોને
પરિણામે હાલમાં જંગલ વિસ્તાર હેઠળ આવતી જમીનની ટકાવારી ફરી વધીને 24 ટકા ઉપર આવી
ગઈ છે, જેને સરકાર હજુ વધારવા કટિબદ્ધ છે. જો કે દેશમાં વૃક્ષછેદન ઉપર સંપૂર્ણ
નિયંત્રણ મૂકી આયાતી લાકડા ઉપર નજીવા ભારતીય લાકડા ઉદ્યોગે તૈયાર રહેવું પડશે,
માત્ર ખેતી આધારિત (ખેત પેદાશી) લાકડું જ તેમને દેશમાંથી મળી રહેશે. સરકારે
લાકડુ આયાત કરવા સંપૂર્ણ મુક્તિ આપી છે અને ભારતમાં લાકડું તેના ઉત્પાદનો
ન્યુઝીલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા, મ્યાનમાર, કોટસડી આઈવરી, બ્રાઝીલ ઈક્વાડોર,
પનામા, કોસ્ટારીકા, ગ્વાટેમાલા, વેનેઝૂએલા, અમેરિકા અને કેનેડાથી છૂટથી આયાત
થાય છે. ટીકવુડ ભારતમાં મોટા પ્રમાણમાં આયાત થાય છે જે ભારતમાં મોટા પ્રમાણમાં
લોકપ્રિય છે. ભારતના ઉપભોક્તા બજારને અનુરૂપ આવે તેવું લાકડું આયાત કરીને
ભારતીય લાકડા ઉદ્યોગ તેની જરૂરિયાતોને અત્યારે તો સંતોષી રહ્યો છે, અને ભવિષ્યમાં
પોતાની જરૂરિયાતના કાચા માલના નવા સ્ત્રોત ઉભા કરવા કમર કસી રહ્યો છે. ખાસ કરીને
અત્યારે તો આ ઉદ્યોગે આયાતી લાકડાના ઉપયોગ અને તેના વેસ્ટને (બગાડને) નિયંત્રિત
કરી પોતાના વિકાસના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના છે. 10 થી 15 ટકાના વાર્ષિક વિકાસ
લક્ષ્યાંકને સિદ્ધ કરવા ચાલુ વર્ષે આ ઉદ્યોગે કમર કસી છે. આ ક્ષેત્રે માંગમાં
ઘટાડો નથી પરંતુ ઉત્પાદિત એકમોની સંખ્યા અને અન્ય અવરોધક પરિબળોને લીધે થોડી
તકલીફો આ ઉદ્યોગે ભોગવવી પડી છે. પરંતુ આ તકલીફોમાંથી રસ્તો કાઢવો ભારતીય
ઉદ્યોગ સાહસિકો માટે કંઈ અઘરો ન હતો અને તેથી જ આ ઉદ્યોગે ફરી વિકાસની ગતિ પકડવા
માંડી છે.
| |